53 - આવી લીલાશનો ભરોસો શું / મનોજ ખંડેરિયા


આવી લીલાશનો ભરોસો શું
ક્ષણજીવી ઘાસનો ભરોસો શું

ક્યાં સુધી આંગણાને મ્હેકાવે ?
જૂઈની વાસનો ભરોસો શું

જેનો પાયો છે તરલ પારાનો
એવા આવાસનો ભરોસો શું

જાતને તું નીરખ અરીસા વિણ,
બાકી આભાસનો ભરોસો શું

આજ ફાનસ કરી લે હાથવગું !
સાંધ્ય – અજવાશનો ભરોસો શું

ઓશિયાળા હવાના ટેકાના,
એ બધા શ્વાસનો ભરોસો શું


0 comments


Leave comment