40 - કંઠમાં કાયમી તલબ રાખી / મનોજ ખંડેરિયા


કંઠમાં કાયમી તલબ રાખી
દોસ્ત, રણની અમે અદબ રાખી

ઢંગ જુદો ને જુદી ઢબ રાખી
આપણે વાણી મન મુજબ રાખી

આવશે કોઈ એ સબબ રાખી
અમથી ક્યાં ગઝલની પરબ રાખી

પથ ખૂટ્યો-સાથ ખૂટ્યો-પગ ખૂટ્યા
તેં ય ધીરજ ભલા ગજબ રાખી

થઈને બેઠાં છીએ બરફપેટી,
પોતપોતામાં એક શબ રાખી

ઠાઠથી બેફિકર રહ્યા બેઠાં !
કોઈએ આબરૂ અજબ રાખી


0 comments


Leave comment