4 - પાથરણાવાળો / રમેશ આચાર્ય


પોતાના કપાળ જેવડું પાથરણું પાથરી
બેઠો છે પાથરણાવાળો.
તેના પાથરણામાં
સૂપડી ભરાય એટલા કાતરા છે.
સૂપડું ભરાય એટલી કાચી બદામ છે.
સૂંડલી ભરાય એટલાં ગુંદા છે.
જેમને ખટમીઠી જિંદગી સદી ગઈ છે
તેઓ કાતરા લઈ જાય છે
જેમને ગળામાં ડચૂરો વળે તો ઠીક રહે છે
તેઓ કાચી બદામ લઈ જાય છે.
જેઓ જિંદગીને ચીકાશ ગણી જીવે છે
તેઓ ગુંદા લઈ જાય છે.
સાંજ પડ્યો બધો માલ ખપી જાય છે
ત્યારે તે પાસેની દુકાનેથી સો ગ્રામ ભજિયાં લે છે.
તેમાં તે તેની પત્નીની પસંદગીનાં
બટેટાની પતરીનાં બે ભજિયાં નખાવે છે.
તેની દીકરીની પસંદગીનાં
મરચાંના બે ભજિયાં નખાવે છે.
મોટા દીકરાની પસંદગીનાં
વાટી દાળનાં બે ભજિયાં નખાવે છે.
નાના દીકરાની પસંદગીનાં
મેથીનાં બે ભજિયાં નખાવે છે.
તેની પોતાની કોઈ પસંદગી નથી.


0 comments


Leave comment