6 - મંદિરની પબનો પ્યાલો / રમેશ આચાર્ય


ગામડાના રસ્તા પરની પરબની જેમ
મંદિરની પરબની કોઠીઓ
જમીનમાં અરધી દાટેલી નથી.
તેમાં તો જરૂરિયાત પ્રમાણે
મીનરલ વોટરના કેરબા ઠલવાય છે.
યાત્રાળુઓ અને વટેમાર્ગુઓ પાણી પી શકે
એમ પરબ બનાવી છે,
લોકો પાણી પીએ છે,
પક્ષીઓ પાણી પીએ છે
અને તેમની ચાંચ ઘસી સાફ પણ કરે છે.
સ્ટેન્ડ પર મુકાતા પ્યાલાનો
અને કોઈ યુવતીના કંકણનો ખણખણાટ
એકબીજામાં ભળી જઈ,
આરતી ટાણે ઠાકોરજી પાસે
વગાડવામાં આવતી ઘંટડી જેવો,
રણકાર બની જાય છે.
મંદિરની પરબનો સાંકળથી બાંધેલો પ્યાલો
તેના પાણીથી કોઈ જુવાનડીની પ્યાસ બુઝાવે છે
પણ સાંકળના બંધનને કારણે
પાણી પીતી જુવાનડીના,
રાજગરાના છોડ પરના ફૂલ જેવા,
હોઠ સુધી પહોંચવામાં
ટૂંકો પડે છે.


0 comments


Leave comment