7 - મામલો / રમેશ આચાર્ય


મામલો બીચક્યો,
કાગડાઓ અને કોયલો વચ્ચે,
મારા ઘરના ચબૂતરે
ચણવાના સમયની બાબતે.
કાગડાઓનો હતો પૂરેપૂરો કબજો
ચબૂતરા ઉપર.
કૌરવો પાસે માગ્યા હતા
પાંડવોએ છેવટે પાંચ ગામ,
મહાભારતનું યુદ્ધ નિવારવા.
કોયલોએ માગ્યો હતો
વાજબી સમય ચબૂતરામાં ચણવા માટે.
છેલ્લી બેઠકમાં કાગડાના મુખીએ
પોતાના ભાઈઓ સામે જોયું,
કોયલો સામે જોયું.
બધાનો રંગ એક હતો.
રંગ-વાદ જીત્યો.
અંતે ઘી ના ઠામમાં ઘી પડી ગયું.


0 comments


Leave comment