9 - તરણેતરનાં મેળામાં / રમેશ આચાર્ય


અબીલ-ગુલાલનો ગારો,
ઢોલના તાલે હીંચ લેતા
કે રાસ રમતા ગ્રામીણ યુવક-યુવતીઓની
પગની ફુદરડીની સાથે ચારે બાજુ
સ્પ્રે જેમ છંટાતો સુગંધીત પરસેવાનો ફૂવારો.
દૂર પીલુડીના છાંયે કાળી ભોંવાળી
ભરત ભરેલી છત્રી નીચે ઊભેલું
એકમેકમાં ઓતપ્રોત યુગલ,
તેમનામાં સંગોપી બેઠું છે બ્રહ્મનું પુદ્ગલ.
એકબાજુ મોતના કૂવામાં,
સામાન્ય માણસની જેમ,
જીપના અને સ્કૂટરના
દિલધડક કરતબ દેખાડતા
દાડિયાઓ,
પહેરવેશ-દેખાવે જાણે ચાડિયાઓ.
ગમે ત્યારે અને ગમે ત્યાં
લપસી પડીએ એવી જ્યાં ત્યાં
વેરાયેલી કેળાંની છાલ,
ક્યારેક ઝરમરતી વાદળીનું વરસી પડે વહાલ,
એક ટાબરિયાએ માથે
માના સાડલાની આડી દીધી ઢાલ.
ઉત્તરા-ફાલ્ગુનીનો તડકો,
વિશ્વ વસાવવા માટે પૃથ્વી
સૂર્યથી છૂટી પડી હશે ત્યારે
આવો જ થયો હશે ભડકો.


0 comments


Leave comment