11 - મારી વૃદ્ધાવસ્થા / રમેશ આચાર્ય


તાવડીમાં લૂગડાના ગાભાથી
રોટલી ચોડવતા મારા પત્નીથી ક્યાંક
વધુ ચડી જાય અને
ગોળ કાળી ભાત પડે
એમ શરીરે ક્યાંક ક્યાંક
ભાત પડતી જાય.
આસામના ચાના બગીચા જેવું
મારું શરીર
કોઈ ચાની કંપનીની નંબર વન
મમરી ચા જેવું ખરબચડું થાય
અને હથેળીનો પાછળનો ભાગ
મારા ઝાલાવાડમાં આવેલી નર્મદા-કેનાલની
શાખાઓ-પ્રશાખાઓ જેવો.
ઝાડના થડમાં પક્ષીઓ બખોલ કરે
એમ પોતાનામાં થયેલી
બખોલમાં કાન ચામાચીડિયાં જેવી વાતોને આશ્રય આપે.
જળધારીમાંથી શિવલિંગ પર
ટપકતાં ટીપાંની જેમ વર્ષો
ટપક ટપક ટપકે
અને પાણીનાં ટીપાં સાથે ભળી
જીવ પણ શિવ તરફ ગતિ કરે.


0 comments


Leave comment