15 - અધિક માસની પૂનમનો ચાંદ / રમેશ આચાર્ય


રાહ જોવરાવે,
બહુ રાવ જોવરાવે,
પૂનમનો આ તેરમો ચાંદ,
ત્રણ વરસ સુધી.
પણ તે રાહ જોવરાવે
તેની પણ છે મજા.
આપણે વાવેલા બીની
કૂંપળ ફૂટી કે નહિ
તેની રાહ જોયા કરવા જેવી છે
આ આખી પ્રક્રિયા.
ચોખાના લોટના ઠંડા ખીચાના
લોંદા જેવો પૂનમનો તેરમો ચાંદ
વરસના ક્યા માસમાં જોવા મળશે
તે નક્કી નહીં.
આપણે તારીખિયાનાં
કે
પંચાંગના પાનાં ફેરવ્યા કરીએ
તે ક્યારે જોવા મળશે તે જાણવા.
કોઈપણ બે માસના પૂનમના ચાંદની વચ્ચે
તે ટપકી પડે
અને આપણે તેને એકીટસે
જોયા જ કરીએ.
નવજાત શિશુનો ચહેરો
તેના માતા-પિતા,
દાદા-દાદી,
નાના-નાની
કે અન્ય કોના જેવો છે
તે નક્કી કરવા જેવી છે
આ મૂંઝવણ.
તે હસતા હસતા,
તેના ગાલમાં ખાડા પાડતો.
આપણી સામે જોયા કરે.
તે તેરમો છે
એટલે શુકનિયાળ હશે
કે અપશુકનિયાળ
તેવી આખી જિંદગી,
દર ત્રણ વરસે,
આપણે દ્વિધા અનુભવ્યા કરીએ.


0 comments


Leave comment