16 - સૂરજનું પહેલું કિરણ / રમેશ આચાર્ય


સૂરજનું પહેલું કિરણ
નદીકિનારે ઝુંપડીવાસી
સાધુપુરુષની આંખ ખુલતા
ગાયત્રીમંત્ર થઈ ગયું.
મોજાં રૂપે કૂકડાના કૂકડે....કૂક રૂપે ફેલાઈ
શિવમંદિરે પ્રભાત આરતીનું
ઘંટારવ રૂપ પામી
ગામના તળાવનું પ્રવાહી સોનું બન્યું.
ગામની પનિહારીઓએ હોંશે હોંશે
તે સોનું તેમના બેડલામાં છલકાતું ભરી
તેમના પાણીયારે માટલામાં ઠાલવી દીધું.
ઘરના વડીલે તેમાંથી તાંબાની લોટી ભરી
સૂરજને અર્ધ્ય આપ્યો.
પહેલું કિરણ અર્ધ્યદાતાની
છાતી સોંસરુ નીકળી
સૂરજમાં એકાકાર થઈ ગયું.


0 comments


Leave comment