17 - ઉનાળાની અલસ બપોર / રમેશ આચાર્ય


મારા ફળીના ભીનાં ક્યારામાં
સૂતેલું કૂતરું કાન પણ
નથી ફટફટાવતું,
મારા પાડોશીએ તેની ઓરડીના
બારણા પાસે બાંધેલી બકરીનું
બેં.... બેં....
વરાળ થઈ ઊડી ગયું.
મારા ઘરની દીવાલ પરનો કરોળિયો
કબીરની જેમ વાયુની ઝીણી ચાદર વણી
તેના પર આવ-જા કરતાં પહેલાં
થંભી ગયો.
મારા ગામના તળાવમાં
રચાયેલાં ખાબોચિયામાં
ક્યારનો નહાવા પડેલો સૂરજ
ડૂબકી લગાવી તળિયે પહોંચ્યો.
હવે તે બહાર નીકળવાનું નામ પણ નથી લેતો.
કદાચ તેને લૂ લાગી જવાની
બીક લાગી ગઈ!


0 comments


Leave comment