12 - તૂટી ગઈ સાચવણ, ખબર ન પડી / મનોજ ખંડેરિયા


તૂટી ગઈ સાચવણ, ખબર ન પડી
ગઠરી છૂટ્યાની ક્ષણ ખબર ન પડી

કાચમાંથી પસાર થાવામાં-
ક્યારે ફૂટ્યા કિરણ, ખબર ન પડી

છાલકો મૃગજળોની અડકી ગઈ,
પગ સુધી આવ્યું રણ, ખબર ન પડી

છાતીએ જીવ જેમ વળગાડી,
ક્યાં સરી સાંભરણ, ખબર ન પડી

ક્યારે બૂઝી મશાલ જાણ ન થઈ,
હાથ સળગ્યો છે પણ ખબર ન પડી


0 comments


Leave comment