19 - પ્રકરણ – ૧૯ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    મળસકે નીલકંઠની આંખ ઊઘડી ગઈ. તે તરત ઊઠીને બારીએ આવ્યો. અર્ધખુલ્લી બારી એણે ઉઘાડી નાખી. એના શ્વાસમાં પ્રભાત સુગંધાઈ આવ્યું. ઘેરા અંધકારમાં ગામ સૂતું હતું. હવામાં ખાસ્સી ઠંડક. પણ શેરીમાં સંચાર શરૂ થઈ ગયો હતો. તારાસ્નાનનો નિયમ પાળતી સ્ત્રીઓએ નદી તરફ જવા માંડ્યું હતું. કેટલે બધે વખતે તેણે આ દૃશ્ય જોયું ! નાનપણમાં ઘણી વાર તે ગૌરીબાની આંગળી પકડીને નદીએ નહાવા જતો. આખે રસ્તે ગૌરીબા મંદ મંદ સ્વરે પ્રભાતિયું ગાતાં હોય અથવા પેલો શ્લોક – ક્યો હતો એ શ્લોક ? યાદ રહ્યો છે ? હં... गंगा सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा ! कावेरी सरयू महेन्द्र तनया... પછીના શબ્દો યાદ નહોતાં આવતા; મુંબઈના માળાની લપસણી ચોકડી પર નહાવા માટે લાગતી કતારના કોલાહલમાં એ શબ્દો ક્ષતવિક્ષત બની ગયા હતા, નહિ ? .. નીલકંઠને એકાએક થયું : પોતે અત્યારે નદીએ સ્નાન કરવા જાય... નદીનો લાંબો પટ, કિનારા પરના વૃક્ષોમાં જાગી ઊઠેલા કોક મોરની વહી આવતી કેકા, ગાયત્રીમંત્રો ઉચ્ચારતા ભીને ડીલે પાછા ફરતા બ્રાહ્મણો, ધીમે ધીમે સુવર્ણ આભાથી લીંપાતી પૂર્વ દિશા, ઝિલમિલાતો જળપ્રવાહ, સામા કિનારાનું સ્પષ્ટ બનતું દૃશ્ય... નીલકંઠ સ્મૃતિના સલિલમાં સ્નાન કરી રહ્યો. ત્યાં તેના ઘરમાં સંચાર સંભળાયો. ગૌરીબાએ તો ઉંમરના કારણે રોજ નદીએ જવાનું છોડી દીધું હતું, પણ જયાભાભીએ એ નિયમ લીધો હતો. થોડી ક્ષણોમાં તેઓ હાથમાં લોટો લઈને શેરીમાં નીકળ્યાં. અંધકારમાં ચાલી જતી જયાભાભીની રેખાઓને નીલકંઠ અપલક આંખે જોઈ રહ્યો. તેણે ઊંડા શ્વાસ લીધા. તેણે નિરાંતે સૂતેલી નીરા તરફ નજર કરી. તેને ઉઠાડવાની ઈચ્છા થઈ અને આથમી ગઈ. નીલકંઠ બારીએ જ ઊભો રહ્યો. ઉજાસ વધતો ગયો, પણ તે પહેલાં તો જયાભાભી સ્નાન કરીને પાછાં ફરી ગયાં – ભીને કપડે. નીલકંઠ બારીએથી ઘરમાં આવી ગયો...

    નીરા જાગી ત્યારે તો જયાભાભી રસોડામાં ગૂંથાઈ ગયાં હતાં. ચૂલો સળગાવી દીધો હતો, પણ લાકડાં હવાયેલાં હતાં એટલે ખૂબ ધુમાડો થયો. ભાભી ભૂંગળી ફૂંકતાં હાંફી જતાં હતાં. ઉધરસ ખાતાં હતાં. એમણે એક મેલી, થીંગડાવાળી રેશમી સાડી વીંટાળી હતી. એ કોઈને સ્પર્શ નહોતાં કરતાં. નીરાએ નહાવાનો વિચાર માંડી વાળ્યો – ઘરમાં બાથરૂમ જ ક્યાં હતો ? નીરાએ હજી સ્નાન કર્યું નથી એ વાત ચૂલાના ધુમાડાની જેમ ઘરમાં ફેલાઈ ગઈ. ગૌરીબા તો ઠીક, શિવશંકર પણ સ્તબ્ધ બની ગયા. ‘બા ! એણે ગરમ પાણીથી હાથ-પગ-મોઢું ધોઈ લીધાં છે’ એવો નીલકંઠનો ખુલાસો કોઈએ કાને જ ન ધર્યો. ‘નહાશે નહિ તો વહુ ખાશે શું ? ને એ સાડીને અડકી યે કેમ શકશે ?’ ગૌરીબાએ ધર્મસંકટ દર્શાવ્યું. નહાયા વિના અનાજનો દાણો એ મુખમાં ન મૂકી શકાય એવો નિયમ આ ઘરમાં દાયકાઓથી પળાતો આવ્યો હતો. ‘તો ભલે હું ભૂખી રહીશ ! અને મારે સાડી પહેરવાની છે ? – જયાભાભીએ પહેરી છે તેવી ? – દાળના ડાઘાઓથી ગંધાતી ?... મને લાગે છે, કે મારાં નવાં સ્લેકસ અને જીન્સ એના કરતાં વધારે ‘પવિત્ર’ છે !’ નીરાએ નીલકંઠને કહ્યું.

    ‘એ હું ક્યાં નથી સમજતો ? પણ આ તો દેશ એવો વેશ !’ નીલકંઠના સ્વરમાં સમજાવટ તરી આવી.
    ‘ધેટ મિન્સ કે તું યે પેલું – શું કહો છો તમે એને – અબોટિયું કે પીતાંબર પહેરવાનો છે ?’ અને નીરા ખડખડાટ હસી પડી.
    ‘ડોન્ટ લાફ નીરા ! આઈ વિલ હેવ ટુ’ નીલકંઠ મૂંઝાતો રહ્યો.

    ‘યુ વુડ લૂક સો ફની ! હવે પસ્તાવો થાય છે – મારે એક કેમેરા અહીં લાવવો જોઈતો હતો. હું આ પ્યોર ઓરીએન્ટલ લાઈફના થોડા સ્નેપ્સ લઈ શકી હોત.’
    ‘મને લાગે છે નીરા, આપણે આ લગભગ આદિમ કહી શકાય એવા જીવન પ્રત્યે થોડાક સહાનુભુતિપૂર્ણ બનવું જોઈએ. એટ લીસ્ટ વી શુડ ટોલેરેટ ધિસ.’
   
    ‘ઓલ રાઈટ, પણ એ લોકો આપણા Way of lifeને ચલાવી લેવા તૈયાર છે ? સમાધાનશીલતા તો બેઉ પક્ષે હોવી જોઈએ. તને એ દેખાય છે ? મને તો એ આટલા અનુભવમાં યે નથી દેખાતી. મેં માત્ર સ્નાન નથી કર્યું એટલા માટે તેઓ મને ભૂખે મારવા તૈયાર થશે પણ પોતાનો નિયમ જતો નહિ કરે.’ નીરાએ દલીલ કરી. નીલકંઠ કશું જ ન બોલ્યો. થોડી વારની ચૂપકીદી પછી નીરાએ કહ્યું :
    ‘તું આ લોકોની જીવનપદ્ધતિ સાથે સહમત છે ? તને જીવનની આ સાંકડી ક્ષિતિજો માન્ય છે ?’
    ‘પણ નીરા, આ બધું બે-ચાર દિવસ માટે જ છે. મુંબઈમાં આપણે આપણી રીતે નથી જીવતાં ?’
    ‘ભૂતકાળના પડછાયાને એક ક્ષણ માટે ય શા સારું ડોકાવા દેવો જોઈએ ?’

    ‘એ એમના સંસ્કાર છે. એને હઠાવી દેવાની આપણે એમને શી રીતે ફરજ પાડી શકીએ ?’
    ‘પણ એ જ સંસ્કારો એ લોકો આપણા પર શા માટે લાદે ?’
    ‘થોડાક દિવસો માટે.’
    ‘એ તો ચોખ્ખો દંભ થયો. મનને ન ગમતું હોય છતાં કરવું એ હિપોક્રસી છે. આઈ એમ નોટ ફોર હિપોક્રસી.’

    છેવટે રસ્તો નીકળ્યો. જયાભાભી રસોડામાંથી નીકળી ગયાં અને એ ઓરડીમાં ખૂણામાંની એક ચોકડીમાં નીરાને નહાવું પડ્યું. બંધ ઓરડીમાં નીરા સ્નાન કરતી હતી એટલો સમય આખા ઘરના શ્વાસોચ્છવાસ રોકાઈ ગયા હોય એવી સ્તબ્ધતા પથરાઈ ગઈ. નાહીને વાળ કોરા કરતી નીરા ઓરડીની સાંકળ ઉઘાડી બહાર આવી ત્યારે તેને જોવા માટે ગૌરીબાએ આંખે નેજવું કર્યું. નીરા વગરબોલ્યે ઉપર ચાલી ગઈ, બેગમાંથી ‘The Outsider.’ કાઢીને વાંચવા માંડી, વાંચતાં કંટાળી એટલે તે વળી નીચે આવી અને વાડામાં થઈને મંદિર તરફ ગઈ.
(ક્રમશ:....)0 comments


Leave comment