1.16 - ભાષા વેદની / મહેન્દ્ર જોશી


ઝાંખી રે રેખાઓ અહીંયા ભેદની....

શું જળમાં કે શું મૃગજળમાં, શું ફૂલોમાં શું ફાંટામાં
જે સૂરજમાં તે કાજળમાં હૈયાના ઊંડા કાંટામાં

કોરા રે કાગળ ને ભાષા વેદની
ઝાંખી રે રેખાઓ અહીંયા ભેદની....

ક્યાં મુખના આછા અણસાર, ક્યાં રણઝણ થાતા વણઝારા
આંસુના પળપળ અંગારા, ને ઓશિકે આ હિબકારા

ગઠરી રે બાંધી છે છાના ખેદની
ઝાંખી રે રેખાઓ અહીંયા ભેદની....

ના અજવાળે ના અંધારે ના તો પાંપણના પલકારે
ખાલી ખાલી ભણકારે, ના પડછાયે ના સથવારે

ધુમ્મસવરણી કેડી રે નિર્વેદની
ઝાંખી રે રેખાઓ અહીંયા ભેદની....

કોના દરિયે, કોના કાંઠે, લાંગરવું ક્યાં જઈને ઘાટે
કોના હાથે કોના માટે, સૂર વિનાની વાટે-વાટે

વાંસલડી વિંધાવી સાતે છેદની
ઝાંખી રે રેખાઓ અહીંયા ભેદની...

૨૩/૮/૧૯૯૩


0 comments


Leave comment