1.20 - ગુજરીબજારમાં / મહેન્દ્ર જોશી


ગુજરીબજારમાં સુગંધ વેચાય ને સાથે વેચાય જૂનાં ત્રાજવાં...

કાન કહે કોયલ થઈ જાઉં ને હાથ કહે હાજર લ્યો કેવડાની ગંધ
અત્તરનો વેપારી માંડે ગણિત કે શીશી થવાય અકબંધ

અત્તરબજારમાં ફાયા વેચાય ને સાથે વેચાય રૂના ઝીંડવા
ગુજરીબજારમાં સુગંધ વેચાય ને સાથે વેચાય જૂનાં ત્રાજવાં....

મન કહે મોતી થઈ જાઉં ને આંખ કહે ચઢવા રે જળના ઢોળાવ
ચશ્માનો વેપારી મીંચે છે આંખ, કે સાચાં શું કાચનાં તળાવ

ચશ્માબજારમાં સપનાં વેચાય ને છૂટક વેચાય ભીનાં ઝાંઝવાં....
ગુજરીબજારમાં સુગંધ વેચાય ને સાથે વેચાય જૂનાં ત્રાજવાં....

બોળીને ચાંચ ઊડે પંખી આકાશ ને નીંદરનો રંગ નર્યો દૂધ
સુગંધી વાયરાની કરી સાવરણી ને મોરપીંછથી મન કર્યું શુદ્ધ

મંદિરની પગથારે શીરો વ્હેંચાય ને સાથે વ્હેંચાય કોનાં ટેરવાં ?
ગુજરીબજારમાં સુગંધ વેચાય ને સાથે વેચાય જૂનાં ત્રાજવાં....

૧૨/૧૨/૧૯૮૯


0 comments


Leave comment