1.21 - બાગમાં / મહેન્દ્ર જોશી

બાગમાં એકલો એકલો એકલો રે ઝૂર્યા કરે છે એક બાંકડો
કાંઈ મધપૂડો ઝંખે છે આકડો....

બાગ એટલે
ઝાડવાની છાયામાં હીંચકતો અલ્લડ પવન એમ નહીં
બાગ એટલે
વીતેલી સાંજોને આંખમાં ઘૂંટતી અગન એમ નહીં

બાગ એટલે
એવો તે નીડ જે પંખીનાં બચ્ચાંને લાગે રે સાંકડો
બાગમાં એકલો એકલો એકલો રે ઝૂર્યા કરે છે એક બાંકડો

બાગ એટલે
સુંવાળો કાંટો કે ચુંબન કોઈ છાનું એમ નહીં
બાગ એટલે
આલ્બમનું પીળું પડેલ કોઈ પાનું એમ નહીં

બાગ એટલે
એવી વસંત જેના મૂળમાં છે રફરફતો રાફડો
બાગમાં એકલો એકલો એકલો રે ઝૂર્યા કરે છે એક બાંકડો

બાગ એટલે
એવો જેને કબાટ જ્યાં સંતાડ્યાં હોય સરનામાં એમ નહીં
બાગ એટલે
એવો પ્રેમી કે જેને છાતીમાં હોય રોજ ઉધામા એમ નહીં

બાગ એટલે
એવું મ્યુઝિયમ જેમાં સચવાયો હોય મૃત કાગડો
બાગમાં એકલો એકલો એકલો રે ઝૂર્યા કરે છે એક બાંકડો

૧૨/૦૨/૧૯૯૬

0 comments

Leave comment