2.1 - થાતો જાય છે / મહેન્દ્ર જોશી
આ પિંડમાં જાણે અજરનો વાસ થાતો જાય છે
ને પાંપણોની પાર કૈં અજવાસ થાતો જાય છે
મારો સમય સીધો સરળ ઉચ્છવાસ થાતો જાય છે
તારો સમય તો વિસ્તરીને વ્યાસ થાતો જાય છે
ધુમ્મસભરી આ ખીણ તો બાળક બની વળગી પડી
ને પર્વતો સમતલ થયાનો ભાસ થાતો જાય છે
ખૂટી ગયો જે સંગ એ તો આંખમાં આંજી લીધો
બસ એ દિવસથી પુષ્પમાં વિન્યાસ થાતો જાય છે
દિવાસળીનાં જંગલો વીંધી પવન પહોંચી ગયો
પાછળ વીતેલા ધૂમ્ર જેવો ચાસ થાતો જાય છે
મેં એક બિંદુ પર તને રમતાં કદી દીઠો હતો
આજે હવે તું ચંદ્રમાં ખગ્રાસ થાતો જાય છે
મૃત્યુ કહે ઘટના કહે મુક્તિ કહે કે અલવિદા !
મતલબ સમયનો એ જ કે ઈતિહાસ થાતો જાય છે
૨૪/૦૬/૨૦૦૧
0 comments
Leave comment