95 - જીવનના જળને ડ્હોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ / મનોજ ખંડેરિયા


જીવનના જળને ડ્હોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપણની જેમ કોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચૂપ થઈ ગયાં છીએ


0 comments


Leave comment