2.2 - વધુ શું જોઈએ / મહેન્દ્ર જોશી


કાગળ કલમ ને મેજ છે એથી વધુ શું જોઈએ
આંખોમાં થોડો ભેજ છે એથી વધુ શું જોઈએ

એ આગિયાનું હોય કે ચકમક ઘસ્યાની વેળનું
મુઠ્ઠીમાં ખપનું તેજ છે એથી વધુ શું જોઈએ

જેને સતત દરિયા મહીં હું શોધતો ફરતો રહ્યો
તારી નજરમાં સહેજ છે એથી વધુ શું જોઈએ

મનમાં જ ઘંટારવ થતો મનમાં પ્રગટતા દીવડા
મનમાં ય તું સાચે જ છે એથી વધુ શું જોઈએ

અડકી જરા તું જોઈ લે એ કાંઈ અંગારા નથી
શબ્દો ય શીળી સેજ છે એથી વધુ શું જોઈએ

જે જન્મથી અળગી કરી વર્ષો પછી પાછી મળી
આ તો ઉદાસી એ જ છે એથી વધુ શું જોઈએ

કાલે પ્રભાતી રાગમાં લહેરાઈને ઊડી જઈશ
આ કાવ્ય દસ્તાવેજ છે એથી વધુ શું જોઈએ

૦૨/૧૦/૨૦૦૫


0 comments


Leave comment