2.3 - બેસી ગયા / મહેન્દ્ર જોશી


ગીત જૂનું ગણગણીને લ્યો અમે બેસી ગયા
ઘાવ લીલોછમ ખણીને લ્યો અમે બેસી ગયા

હાથથી છૂટી ગયેલા કોઈ મંજીરા સમું
સહેજ અમથું રણઝણીને લ્યો અમે બેસી ગયા

સાચને ના સાચ કીધું, જૂઠને પણ જૂઠ ના
નામનો હાથી હણીને લ્યો અમે બેસી ગયા

સિંહનાં મ્હોરાં સજી ઘેટાં સમા ટોળે રહ્યા
સૌની હામાં હા ભણીને લ્યો અમે બેસી ગયા

લોહીનાં પગલાં હતાં તે કંકુનાં સમજી લીધાં
કાચની કાઢી કણીને લ્યો અમે બેસી ગયા

પ્રેમપત્રો જેટલા ટૂકડા થયા જો કાળના
ગોઠવી, ગૂંથી ગણીને લ્યો અમે બેસી ગયા

ક્રોસ ખભ્ભેથી ઉતારી ઝટ સભામાં જઈ શક્યા
એક નજરને અવગણીને લ્યો અમે બેસી ગયા

મિત્ર જોશી આ ગઝલને એક ઓચ્છવ માનજો
પંડ્યની પીડા જણીને લ્યો અમે બેસી ગયા

૦૫/૦૨/૨૦૦૮


0 comments


Leave comment