2.4 - અઘરી વાત છે / મહેન્દ્ર જોશી


રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે

કોઈના ખભે ચઢીને એટલું જોઈ શક્યા
વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે

આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું
મૂળ આ ઉચ્છેદનું એ છેક અઘરી વાત છે

ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે

આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું ?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે

આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી
આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે

૧૬/૧૧/૨૦૦૪
૨૪/૧૨/૨૦૦૪


0 comments


Leave comment