2.5 - ના આવડ્યું / મહેન્દ્ર જોશી


જળ સમયનું ચાળણીથી ચાલતાં ના આવડ્યું
તીર જે છૂટ્યું તે પાછું વાળતાં ના આવડ્યું

મીણબત્તી જોઈને બેઠો રહ્યો હું રાતભર
કોઈ રીતે આ તિમિર ઓગાળતાં ના આવડ્યું

પંખી ઊડે એમ સપનું પાંખથી ઊડી ગયું
આંસુ જેવી ચણ દઈ પંપાળતા ના આવડ્યું

ધૂમ્રના પોપટ કીધા, પોપટનાં કીધાં પીંજરાં
જીનને હાજર કરી સંભાળતાં ના આવડ્યું

હું ય સુ.જો. જેમ પૃથ્વી જોઈ લઉં બાળારૂપે
મન અગર આદિમ થયું તો વાળતાં ના આવડ્યું

હું ‘ક’ થી ‘જ્ઞ’ની સફરમાં, - ‘ઢ’ થઈ અટકી ગયો
ઢાઈ અક્ષરનું ય ઘર અજવાળતાં ના આવડ્યું

૦૨/૦૮/૨૦૦૪


0 comments


Leave comment