2.6 - બને તો આવજે / મહેન્દ્ર જોશી


જો, રૂપેરી જાળ છે દરિયે બને તો આવજે
ચાંદની રમણે ચઢી ફળિયે બને તો આવજે

હોય સંશય જો ભીતરમાં તો વિખેરી નાખજે
બે ક્ષણોની સંધિ પર મળીએ બને તો આવજે

ઊંઘ આદિકાળથી લઈ ત્યાં સૂતો છે એક જણ
શંખ ફૂંકી કાનમાં કહીએ બને તો આવજે

ટોચ પર જઈને અમે જોયું તો ખાલીખમ હતું
ને કશું દેખાય ના તળિયે બને તો આવજે

લીમડો મોટો કે મોટી હોય લીંબોળી ભલા
વાત સહુ અટકી પડી ઠળિયે બને તો આવજે

ક્યાંક દરિયો ક્યાંક હોડી તો હલેસાં ક્યાંક છે
શું ખબર કયા નામનું તરીએ બને તો આવજે

બે ક્ષણોનું આમ અથડાવું અને અગ્નિ થવું
ને ધુમાડે બાચકા ભરીએ બને તો આવજે

જ્યાં લખ્યા’તા પ્રેમના અક્ષર તે વંચાયા નહીં
ભીંત આડી ક્યાં લગી ધરીએ બને તો આવજે

૧૯/૦૩/૨૦૦૮


0 comments


Leave comment