2.7 - અટકી ગયું / મહેન્દ્ર જોશી


એટલું નાજુક હતું અજવાસમાં અટકી ગયું
એક મોતી ઝગમગીને આંખમાં અટકી ગયું

બહુ પલોટ્યું પાંખ દઈને પણ થયું ના પાંખભર
સહેજ ઊડ્યું ને ફરી એ જાળમાં અટકી ગયું

થઈ સિસિફસ પથ્થરોને ઊંચકી પાણી કર્યું
જો વહાવ્યું ટોચથી તો ઢાળમાં અટકી ગયું

આ દિવસ નામે હરણનો હોય બીજે ક્યાં મુકામ ?
ખૂબ દોડી એક સંધિસ્થાનમાં અટકી ગયું

આમ કાચી ગંધથી વ્યાકુળ બનીને ક્યાં જશે ?
એક મન, ઘરથી છૂટીને ઘટમાં અટકી ગયું

છેક તારકથી રણકતું કોઈ આવ્યું રાતના
કાન દઈને સાંભળ્યું તો ઘાસમાં અટકી ગયું

૨૧/૦૩/૨૦૦૭


0 comments


Leave comment