2.8 - મુક્ત થઈ જા / મહેન્દ્ર જોશી
હોય પીડા પ્રેમમાં તો પ્રેમમાંથી મુક્ત થઈ જા
સર્વનો આધાર હું એ વ્હેમમાંથી મુક્ત થઈ જા
હોય ઓળંગી જવાનું તો ય ઓળંગી શકે ના
આ નિષેધો આ નિયમ આ નેમમાંથી મુક્ત થઈ જા
સ્વપ્નની ઝળહળ બજારે આંખ તો લૂંટાઈ બેસે
એ ચળકતું હેમ હો તો હેમમાંથી મુક્ત થઈ જા
શાહમૃગનો ભય જીવે છે ત્યાં મગરનાં આંસુઓ છે
દાખલા જો એમ છે તો તેમમાંથી મુક્ત થઈ જા
લાગણી પહેરી નિયમસર લોક તો મળતા રહે છે
રોજની પડપૂછમાંથી ક્ષેમમાંથી મુક્ત થઈ જા
તું તને ફુરસદને છાંયે ક્યાં કદી પામી શક્યો છે
છોડ બાધા આખડી આ રહેમમાંથી મુક્ત થઈ જા
૩૧/૦૫/૨૦૦૬
0 comments
Leave comment