2.9 - સમજ / મહેન્દ્ર જોશી


હાથથી છૂટ્યું એ તો છૂટ્યું સમજ
એક વાસણ કાચનું ફૂટ્યું સમજ

ખુશ્બૂનો તેં અર્થ એવો ક્યો કર્યો
પુષ્પને ના કોઈએ ચૂંટ્યું સમજ

સાતમે માળે મળ્યું સરનામું એક
સ્વપ્ન ત્યાં પહોંચ્યું દડ્યું તૂટ્યું સમજ

તેં સમજનાં દ્વાર પણ વાસી દીધાં
મેં નર્યા એકાન્તને ઘૂંટ્યું સમજ

માવજત તું વાટની કરતો રહ્યો
કોડિયે દીવેલ પણ ખૂટ્યું સમજ

ઝેર તો પગમાં સફરનું પણ હતું
શિર ભલા કયા કારણે ફૂટ્યું સમજ

૨૪/૦૪/૨૦૦૭


0 comments


Leave comment