2.10 - હોય નહીં / મહેન્દ્ર જોશી


જે પ્રગટ છે ખાનગી તો હોય નહીં
જ્યોત અમથી કૈં ઝગી તો હોય નહીં

હાથ હૈયું પાંસળી હોમી દીધાં
યજ્ઞ છે દીવાનગી તો હોય નહીં

ચંદ્ર પડખામાં ને દરિયો શિર ઉપર
રાત રમણામાં ચગી તો હોય નહીં

હોય સહુને પોતપોતાનાં હરણ –
પણ તરસ સહુની સગી તો હોય નહીં

જાતરા આ તપ્ત આંસુ જેવડી
બુંદથી મોતી લગી તો હોય નહીં

ભીડ વચ્ચે મન અગોચર થઈ જતું
કોઈ શાહી બંદગી તો હોય નહીં

૦૩/૨૦૦૬


0 comments


Leave comment