2.11 - હથેલીમાં / મહેન્દ્ર જોશી


ગ્રહી લે શેષ પંચામૃત હથેલીમાં
પછી જોજે રુએ કાં શ્વાન ડેલીમાં

વિચારો ડાઘુ માફક લો ખભે બેઠા
અરે ઓ મન, હવે તો ઠર ચમેલીમાં !

ખરેલાં પર્ણ જેવો કર્ણનો વારસ
તને આ કોણ પૂછે છે પહેલીમાં

કિશોરી કોઈ અલ્લડ કેમ મીરાં થઈ ?
હજી કૌતુક જીવે જૂની સહેલીમાં

પ્રવાસી તું ય લખ તારી પ્રિયાનું નામ
ફરી ઝણકી જશે ઝાંઝર હવેલીમાં

પરમ સૌંદર્યની ક્ષણ જલકમલવત્ છે
ન ભર વસ્તુઓ ઝાઝી રોજ થેલીમાં

કથા અવગત ગયેલાં જીવની ચાલે
જગા રોકી ઊભો કાં આમ ડેલીમાં

૩૦/૦૪/૨૦૦૬


0 comments


Leave comment