85 - આંગળી જ આ ગવાહી છે / મનોજ ખંડેરિયા


આંગળી જ આ ગવાહી છે
બૉમ્બથી ખૌફનાક શાહી છે

કૈં જ કહેવાય ના ; જશે કઈ મેર,
આ સ્થિતિ કેટલી પ્રવાહી છે !

કેમ ઊજળી બને ન આ ભીંતો,
સાવ નિર્મળ નજરથી ચાહી છે.

કેડી અટકી – ક્ષિતિજ અડી – તોયે
ક્યાં જશે આ ગજબનો રાહી છે !

આ ગઝલ નીખરી તારા ઉલ્લેખે,
પ્હેલી વર્ષાએ પૃથ્વી નાહી છે !

શોધતા આવતા મને શબ્દો,
એ ય કૈં ઓછી બાદશાહી છે ?


0 comments


Leave comment