52 - આ શબ્દો જ માયાવી છળ છે કે શું ? / મનોજ ખંડેરિયા


આ શબ્દો જ માયાવી છળ છે કે શું ?
એ સોના-હરણવાળી પળ છે કે શું ?

મને કોઈ અજગર સમું ભીંસતું,
એ મારા જ પ્હેરણની સળ છે કે શું ?

ફરી આજ દ્રષ્ટિમાં ઊગ્યાં કમળ
વીતકનું ફરી એ જ સ્થળ છે કે શું ?

તું મારામાં ઊંડે ને ઊંડે સરે,
અરે મારું લોહી અતળ છે કે શું ?

સૂરજ સાંજે ખેંચાતો ઊતરે નીચે,
ક્ષિતિજમાં ય કોઈ વમળ છે કે શું ?


0 comments


Leave comment