53 - કોક રસ્તાની ઉદાસી લઈ ફરું છું / દિનેશ કાનાણી


કોક રસ્તાની ઉદાસી લઈ ફરું છું,
રોજ હું તારી તલાશી લઈ ફરું છું !

જ્યારથી ઊડી ગઈ તું પંખી થઈને-
ત્યારથી ફળિયું અગાશી લઈ ફરું છું.

ખૂબ ચાહું વેદનાઓ ખાનગીમાં,
તોય ફૂલો બારમાસી લઈ ફરું છું !!

આ હતાશા, આ નિરાશા, પંથ લાંબો-
ને ચરણમાં હું કપાસી લઈ ફરું છું !

એટલે દરિયાના જળ કાયમ મળે છે,
જન્મથી હું મીન રાશિ લઈ ફરું છું !


0 comments


Leave comment