56 - સાંજના હડતાલ પૂરી થઈ જશે / દિનેશ કાનાણી
સાંજના હડતાલ પૂરી થઈ જશે,
આપણી વચ્ચેય દૂરી થઈ જશે.
નખ વધે ને હાથ આખો કાપવો,
એ સમજદારી જરૂરી થઈ જશે.
છે તરસ બહુ ખેતરોના કંઠમાં,
આ નદીઓ પણ અધૂરી થઈ જશે.
આ રમત છે સૂર્યની ઊભા રહો,
દોડશો તો ચાલ બૂરી થઈ જશે.
સાચવો જો શબ્દને તો મોજ છે,
હાંકશો તો શબ્દ છૂરી થઈ જશે !
0 comments
Leave comment