65 - કેટલા વિહવળ બનીને આવતા / દિનેશ કાનાણી
કેટલા વિહવળ બનીને આવતા
પાનખરની પળ બનીને આવતા
એમને શું આવકારો હોય, જે
ઝાંઝવાંના જળ બનીને આવતા
હાથ મિલાવીને હજી હમણાં ગયા
એ જ પાછા છળ બનીને આવતા
એમ લાગે કે મહેમાનો બધાં
પાઘડીના વળ બનીને આવતા
જે હૃદયથી નીકળે એ શબ્દને
જોઉં છું ઝળહળ બનીને આવતા
સ્હેજ અમથું જળ અડે ને કે તરત
પથ્થરો ખળખળ બનીને આવતા
એ જ સાચા ને સહજ છે મિત્ર જે
જીવવાનું બળ બનીને આવતા
0 comments
Leave comment