67 - નહીં નફ્ફા કે નહીં તોટામાં / મનોજ ખંડેરિયા


નહીં નફ્ફા કે નહીં તોટામાં
જીવ અમારો ગલગોટામાં

સામે કાંઠે નગર વસે તું
પત્ર બીડ્યો છે પરપોટામાં

ફાનસનું અજવાળું ફૂટ્યું
એક પડી ગઈ તડ પોટામાં

માટીનું સ્મિત ઊપસી આવ્યું
ફૂટ્યા તાજાતમ કોટામાં

મેં ખોયેલું વિસ્મય જડતું
બચપણના આ મુજ ફોટામાં

શબ્દ કવિતામાં નિત તાજા
જેવાં ગંગા- જળ લોટામાં


0 comments


Leave comment