68 - ભીંજવે એમ તારી ચાહ મને / મનોજ ખંડેરિયા


ભીંજવે એમ તારી ચાહ મને
એક કોરો અડે પ્રવાહ મને

હું નગર – દ્વાર પરનો પ્હેલો જણ !
પણ બનાવ્યો ન બાદશાહ મને

હું સતત ચાલી એને તાગું છું
ક્યાં સુધી સાથ દેશે રાહ મને

મારે પગલે જ પગલું મૂકીને –
આપવા આવે સહુ સલાહ મને

સહુની વચ્ચે ગઝલ નથી કહેવી
મારશે ક્યાંક ‘વાહ વાહ’ મને


0 comments


Leave comment