2 - પાસ થ્રૂ / જનક ત્રિવેદી


   મારી પાસે થોડું મટિરિયલ છે. કેલેન્ડરના થોડાં પાનાં, દૃશ્યો સાથે બે પાત્રોના એક જ સ્થળે અલગ અંદાજ તથા એંગલમાં સમયાંતરે સ્નેપ કરેલા થોડા રંગીન ફોટોગ્રાફ અને અવાજ રેકોર્ડ કરેલી એક ઓડિયો કેસેટ.

   દૃશ્યો અને પાત્રોના ફોટોગ્રાફ :
   સ્ટાર્ટર સિગ્નલ સુધી સમયાંતરે પૂરપાટ દોડ્યાં આવતાં થોડાં છુટાંછવાયાં મકાનો અને પંક્તિબદ્ધ વૃક્ષો. પછી ગીચ થોરીલી વાડો, વાડોની પછવાડે વાડીઓનાં લીલાંછમ્મ ચોસલાંઓ..... એક પછી એક... એક... પછી... એક...

   આગળ જતાં વાડમાં એક ઝાંપો. વાડી વચ્ચે પાકું ચણેલું ઘર. વૃક્ષઘટા વચ્ચે અરધોપરધો કળાતો કૂવો – કૂવાનું થાળું. ઝાંપાથી શરુ થતી, જાંબલી ફૂલોવાળા રજકા વચ્ચે થઇ વહેતાં ધોરિયાના કિનારે કિનારે ચાલી જતી છેક ઘર સુધી પહોંચતી કેડી. અને સવાર-સાંજ ઝાંપા સામેથી પસાર થતી ટ્રેન.

   અને –
   સવાર-સાંજ જતી આવતી ટ્રેનના એક ડબ્બાના ઉઘાડાં બારણાં વચ્ચે હંમેશ ઊભો રહેતો યુવાન છોકરો.

   વાડીના અધખૂલા ઝાંપા ઉપર હાથ ટેકવી ત્રિભંગ રચતી, ગાડી જોતી, લચકદાર અંબોડાવાળી ભીનેવાન કમનીય યુવાન છોકરી.

   સમય ખંડ :
   બે અથવા ત્રણ અથવા ચારેક વર્ષનાં કેલેન્ડરનાં પીળાં પડી ચૂકેલાં પાનાં. પાનાંમાં ચિતરાયેલા ઉદયાસ્તના સૂર્ય વચ્ચે થોડાં ગૂમ.

   ઓડીઓ કેસેટમાં રેકોડ કરેલા ધ્વનિ :
   વાડીની વૃક્ષઘટામાં જાગી ગયેલાં પંખીઓનો કર્ણમધુર કલરવ. કૂવામાંથી પાણી ખેંચતા એન્જિનનું બિંપ્પ... બિંપ્પ અને ધોરિયામાં ઠલવાતાં પાણીનો ખળખળાટ.

   સરપટ દોડી જતી ટ્રેનનાં પૈડાંનો ખખડાટ અને એન્જિનની વ્હિસલો. ઝાંપા ને સ્પર્શતાં થયેલો કાચની બંગડીઓનો રણઝણાટ. ગાડીનાં બારણાંમાં ઊભેલા છોકરાનાં તથા ઝાંપે ઊભેલી છોકરીના હૃદયના ક્રમશ: વધતા જતા ધબકાર.

   મારી પાસે આટલું છે. હું કવિ-લેખક કે કલાકાર નથી, પરંતુ મેં એને આમ ગોઠવવા ધારેલું.

   છોકરો-છોકરી પરસ્પરને જુએ. ચહેરા પર ચુપચાપ પરિચયનો અણસાર. નહિ શબ્દો, નહિ ચેષ્ટા. માત્ર મૌન પરિચયની આપ-લે. કેવળ લાગણીનો એક સુક્ષ્મ તંતુ.

   છોકરો રોજ વિચારે, - સ્મિત ફરકાવી લઉં... હાથ ઊંચો કરું.
ઝાંપો અને છોકરી દેખાય. સામેથી પસાર થાય અને કૈંક બનવાની ક્ષણે જ છોકરામાં સસલાં હાંફવા માંડે. દિલ ધડક... ધડક... અનુચિત્ત લાગશે ? માઠું લાગી જશે...?

   કંઈ બને નહિ. ગાડી ધડધડાટ પસાર થઈ જાય. છોકરાના મનમાં દુષ્યન્તકુમારના શબ્દો ઘુમરાતાં રહે, - તું કિસી રેલ સી ગુઝરતી હૈ...મેં કિસી પુલ સા થરથરાતા હૂં.

   કેલેન્ડરના પર્ણો ખરતાં રહે... સતતત... સ... ત... ત...
   એક દિવસ
   સવારના સૂરજના
   સોનેરી તડકામાં
   છોકરીના મીંઢોળવંતા હાથ સામે
   છોકરીની નજરનું ફોક્સ ગોઠવાય –
   ઝાંપો શરમની છાલકે ભીંના થાય.

   પછી કેલેન્ડરને પાનખર બેસે. સૂકાં પાંદડાં ખરતાં રહે. વચ્ચે ક્યારેક નવી કૂંપળો ફૂટે – પાંગરે. પાંગરે ન પાંગરે ને વળી મર્મર ધ્વનિ કરતી પ્રલંબ પાનખર પ્રસરે.

   પાસ થ્રૂ જતી ટ્રેનના ડબ્બાનાં બારણાંની ફ્રેમ વચ્ચેથી છોકરાનું ચિત્ર અદૃશ્ય, બારીની ફ્રેમના ધૂમિલ કાચ પાછળ શિલ્પ બની જાય છોકરો.

   ક્યારેક ધુમ્મસનો પથરાવ.
   ક્યારેક ફંગોળાય વાવંટોળ ને ડમરી.
   ક્યારેક વરસે મુશળધાર વરસાદ, અને... અને કાયમ બંધ રહે ઝાંપો.
   પછી ખડકાતાં રહે પાંદડાંઓના પીળા ઢગ.
   પવન વહે સરર્... સર.
   ધ્વનિ ગુંજે ખરર્... ખર,

   પછી એક દિવસ ઝાંપો પસાર થઈ જાય, પછી છોકરાથી અમસ્તું બારીમાંથી જોવાઈ જાય. દુર જતો ઝાંપો છોકરીમય હોય. ફરી ધોધમાર વરસાદ તૂટી પડે... ફરી બધું લીલુંછમ્મ.

   બીજા દિવસે – પૂર્વમાં ધસમસતી જતી ગાડી. બારણું બારણામાં નિશ્ચય પકડી ઊભેલો છોકરો, - ‘ઉચિત ભલે ન લાગે.’

   ટેલિલેન્સ ગોઠવાય, છોકરી અને ઝાંપો નજીક સરે.
   ક્લિક...!
   ઝાંપો કેમેરાની ચાંપ દબાવે. છોકરીની સામે હાથ હલાવતો અને સ્મિત ફરકાવતો છોકરો લેન્સ પાછળ છપાઈ જાય.

   ક્લિક...!
   ડબ્બાનું બારણું પણ વ્યૂફાઈન્ડરમાં જોઈ કેમેરા સ્નેપ કરે. સેંથીમાં જળવિહીન નદીનો રેતાળ પટ, કપાળનાં ક્ષિતિજે આથમી ચૂકેલા સૂરજની આભાવાળું સાફ આકાશ, - અને કંકણવેલીઓ વિનાના કોમળ અડવા હાથ અને છોકરીની પાંપણોની અટારી પરથી ઢળુંઢાઢળું થઈ રહેલા બે બિંદુઓનું સવારનાં સૂર્યકિરણોમાં ઝિલમિલાવું – બધું સેલ્યુલોઈડના કેનવાસ પર ચિતરાઈ જાય.

   પછી બધું ફ્રીઝ થઈ જાય, છોકરાનો ઊંચો થયેલો હાથ અને ફરકી ને વિલાઈ ગયેલું સ્મિત, અને... ઝાંપે ઢળેલો વિષાદ... બધું સ્થિરાંકન સમું ફ્રીઝ થઈ જાય ક્ષણભરમાં.

   તમે સર્જક કલાકાર છો. આ વસ્તુને તમે શેમાં ઢાળશો... કવિતામાં ?... વાર્તામાં... ?... ચિત્રમાં... ? કે પછી હૃદયના તાર રણઝણાવી જતી કોઈ વિષાદમય તર્જમાં...?!
૧૩-૧-૧૯૮૪
પાનેલી મોટી


0 comments


Leave comment