51 - ડાળ પરથી કોક ચૂંટી લો હવે / અંકિત ત્રિવેદી


ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.

ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખૂલો હવે.

કોણ દે છે ડંખ આપણને વધુ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે?

શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે?


0 comments


Leave comment