83 - લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે / મનોજ ખંડેરિયા


લખાતી પળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે
સકળ કાગળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે

સભર કેવા હતા બેચાર બિંદુના ઝગારાથી
ફૂલો ઝાકળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે

હતી પીડાને કારણ કેટલી આત્મીયતા ભરચક,
નયનમાં જળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે

પડ્યું છે સાવ જડવત્ ઘાસનું મેદાન લીલુંછમ,
ભીની સળવળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે

ભર્યું મન રહેતું ભ્રમણાથી ; ભર્યું ઘર રહેતું ભણકારે,
કશી અટકળ વિના તો સાવ ખાલી ખાલી લાગે છે


0 comments


Leave comment