55 - નજીવી વાતની પોકળ બુલંદી હોય છે અહીંયાં / અંકિત ત્રિવેદી


નજીવી વાતની પોકળ બુલંદી હોય છે અહીંયાં,
જીભેથી નીકળેલી ગાળ ગંદી હોય છે અહીંયાં.

ચહેરા પર ઉદાસી લઈ ફરે છે શહેરના રસ્તા,
પરંતુ આંખમાં આંસુની મંદી હોય છે અહીંયાં.

અરીસાનાં આ દૃશ્યોમાં પરિચિત વાસ આવે છે,
બળેલા શ્વાસની ઘટનાઓ ચુનંદી હોય છે અહીંયાં.

જુદાં છે હસ્તરેખામાં, જુદાં ચહેરાની આભામાં,
સમયનાં માપ પણ કેવાં સ્વછંદી હોય છે અહીંયાં!

બહેરા થઈ ગયેલા કાનમાં સંભળાતી અફવાનો,
ખભા પર ભાર લઈ ફરનારા નંદી હોય છે અહીંયાં.


0 comments


Leave comment