58 - કશું જાહેર કરવાનો વખત ક્યાં છે? / અંકિત ત્રિવેદી


કશું જાહેર કરવાનો વખત ક્યાં છે?
હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે?

મને હારી જવાનો ડર નથી તોયે,
ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે?

તમારી આંખમાં ખોયું હતું મેં જે,
મને પાછી જરૂર છે એ જગત ક્યાં છે?

ખરેખર તો શરૂ તૂટ્યા પછી થાશે,
અરે! સંબંધ છે આ તો, શરત ક્યાં છે?

ખરા ટાણે ન આવ્યું બહાર આંખોથી,
કહે છે કોણ કે આંસુ સખત ક્યાં છે?


0 comments


Leave comment