2 - ઘવાયેલો સૈનિક / રાવજી પટેલ


કપાયલી ડાળ પરે ટહુક્યું
પંખી, અને યાદ બધાંય આવ્યાં.

લાવો લખું કાગળ આજ થાતું,
ને ગામ આખું ઊભરાય ચિત્તે ;
લખું ત્યહીં સ્પર્શ થતો સહુનો.

પૂરું કરું વાચન ત્યાં થતું કે
રહી ગયું કૈંક કશુંક; જોઉં
અહીંતહીં, બહાર, પણે, કને, આ
બંદૂક જે બિસ્તર પાસ ઊભી
ઉજાગરેથી નબળી પડેલી
પત્ની. ઘવાયો હમણાં ફરીથી.


0 comments


Leave comment