46 - જિંદગીભર બળી રહ્યો માણસ / મનોજ ખંડેરિયા


જિંદગીભર બળી રહ્યો માણસ
બ્હાર ભીતર બળી રહ્યો માણસ

જાગવું એટલે સતત બળવું,
ખોઈ નીંદર બળી રહ્યો માણસ

બાળે વડવાગ્નિ એને પોતાનો ,
થઈ સમંદર બળી રહ્યો માણસ

હોય લીલો તો વાર પણ લાગે,
સાવ જર્જર બળી રહ્યો માણસ

અંશ એનો ન ક્યાંય જડવાનો,
હા, સદંતર બળી રહ્યો માણસ

શ્હેર ભડકે બળે છે આખુંયે,
આજ ઘરઘર બળી રહ્યો માણસ

વાસ આવે છે કૈં બળવાની,
ક્યાંક અંદર બળી રહ્યો માણસ


0 comments


Leave comment