6 - તા.૧૫-૧૧-૧૯૬૩ / રાવજી પટેલ


દેહમાં પુરાયલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એય હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઈ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલમાં અટવાઉં છું.

ઈસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું.
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.

આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર-શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.

આ શહેરમાં - હોટેલમાં - સરિયામ રસ્તે -
કોઈ સાથે – ટ્રેનમાં - પરગામમાં
આ સભ્યતાની કુંવરી (!) ને સાચવ્યા કરવી.

હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહ સામે મને - સાચા મને - બતલાવવાનો તો
વખત મળતો નથી.
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહીં એવો
પવનની લહેરખી જેવો
ફરું;
હું ચગુ વંટોળિયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.

સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠાં, નકામા બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં –
વર્તવું છે.

પરંતુ આજ હું બાળક બની શકતો નથી.
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –
દેહમાં પુરાયલા અસ્તિત્વના આ સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહીં તો....


0 comments


Leave comment