7 - ભાઈ / રાવજી પટેલ


બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી : આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે. બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહી
પછી તો ડૂડાંઓ, હરખ નવ માયો હૃદયમાં
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિશે.
જતાં રોડું વાગ્યું. ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !


0 comments


Leave comment