8 - દિનાન્તે / રાવજી પટેલ


આવતાં-જતાં લોકમાં નજર,
ફરતી નજર
સૌની સાથે ચાલતી નજર,
મ્હાલતી નજર.
એક આવે ને જાય રે બીજું,
એક જતું ને આવતું બીજું.
કોઈનાં ચરણ-ફૂલ ટહુકી જાય રે
એને જોઈ જોઈને સૂંઘવા લાગું.
સહુની સાથે જોતજોતાંમાં
કેટલાંયે જોજન ગયેલો લાગવા માંડું.
પલમાં બાંધું પ્રીત અને હું પલમાં છાંડું.
સહુની સાથે સહુના રાવજી જાય
કોણ મને આ એકલો મેલી જાય ?
શ્વાસનો ઘોડેસ્વાર આ સમય
ધ્રોડતો જતો દૂર,
વળી આ ઘાસનું લીલું પૂર
વાંસેથી આવતું મને ભરડામાં લઈ જાય.
ગઈ ક્યાં લોકની નદી ? એકલું ટાવર !
અવરજવર કરતી એકલ રાત.
કોઈની જાણે વધતી જતી વાટ !
ઘરની ભણી ચરણ ચાલ્યાં જાય.
કાન કનેથી જીવડાંના વંટોળ રહી રહી વાય.
ઓસર્યું પેલું પૂર અને આ
અધખૂલી મારા ઘરની બારી બહાર ડોકાતું મુખ.
દિવસ આખો રખડ્યો બધે
તોય ન દીઠું આમ, ખટાખટ કરતાં ખૂલ્યાં દ્વાર.


0 comments


Leave comment