96 - આદર્યાં આઘેનાં પરિયાણ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
આદર્યાં આઘેનાં પરિયાણ.
જાણું છું, વનરા છે એની એ વાટમાં,
માલિક છે એનો એ જ;
લોટી પડું હું અહીં થાકીને તોય મને
કહેશે ન વેણ એ સહેજ :
જાવું છે દૂરદૂર જોજનનાં જોજન,
ના પોસાશે પળનું રોકાણ.
આદર્યાં આઘેનાં પરિયાણ.
જામી છે ગીચ ઘટા, તરૂવરની રમ્ય છટા,
ખીલ્યાં છે ફૂલ બેસુમાર;
નીલાં સલિલ મને હરિયાળી દાખવીને
નોતરે છે લહેરી લલકાર :
થોભી જવાનું મને થાય ઘણું મન,
છતાં અકળાવે એનું ઓસાણ.
આદર્યાં આઘેનાં પરિયાણ.
બાજંદો અશ્વ મારો બજવીને ઘટડી
કહેતો લાગે છે કંઇ વેણ;
શું રે કહે છે! ભલા ભાઈ, વિતાવશે તું
ઓથ વિના અહીંયાં શું રેણ?
મીટડીએ મીટ મળે, ભીતર કંઈ જ્યોત જળે,
ઝબકીને જાગે મારો પ્રાણ.
આદર્યાં આઘેનાં પરિયાણ.
વંદન કરું છું તને વનરા ઓ રમ્ય,
ઘણાં ગાઢા ગહન તારાં વન;
સાચું કહું તો ઘડી લેટી જવાનું મન
થાય તારા ખોળલામાં મન :
કિન્તુ કરું શું મારે જોજન છે કાપવાં
ને વચનો નિભાવવાં
તે નહીં રે વધાવું તારી વાણ.
આદર્યાં આઘેનાં પરિયાણ*.
(રોબર્ટ ફ્રોસ્ટના ' સ્ટોપિંગ બાય વૂડસ ઑન ધ સ્નોઈ ઇવનિગ' પરથી)
0 comments
Leave comment