98 - સમરથ સાચા રે/ મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


સમરથ સાચા રે,
અણુઅણુમાં એ રણકા કરે:
ઊઘડી વાચા રે,
રૂંવરૂંવ મારાં હરિ ઓચરે.

કોઈ કહે એને વીજ ઝડી અને કોઈ કહે છે પ્રકાશ;
ચુંબક નામથી કોઈ પોકારે, અવિચળ એ અવિનાશ:
તારણ ટાંચા રે,
ફરતાં એને ફૂદડી ફરે.

આપ નિરાકૃતિ નિર્ગુણ તોયે દુનિયાના આધાર;
આપસમાં અથડી રહ્યા દેખો, જ્ઞાનના ગોખણહાર :
ઢળિયલ ઢાંચા રે,
સમરથ સંગે કેમ સંચરે?
બાથ ભીડે એને બેવડ વાળે, એવડી એ તાકાત;
એ જ અમારા રામ ને ગોવિંદ, એ જ અમારી માત :
સગપણ સાચાં રે,
જાણી જીવણ જીવડો ઠરે.

સંતમુખે એનું શ્રવણ કરીને રાચ્યો રંક સરોદ;
આજ વિજ્ઞાની વેણમાં એને પારખી પામે મોદ :
દુનિયા દિબાચા રે,
પળમાં સરજી, પળમાં હરે.


0 comments


Leave comment