100 - સૂર / મનુભાઈ ત્રિવેદી ' સરોદ'
મારે ભીતર ભરિયા સૂર :
ઝલમલ ઝગતાં નૂર રે :
મારે ભીતર ભરિયા સૂર.
પૃથિવી પંડમાં વેલડ છૂપી
આભે છૂપાં પૂર;
વ્રેમંડ છૂપા જેમ હરિવર,
એમ છુપાયા ઉર રે : -
મારે ભીતર ભરિયા સૂર.
હૈયેથી સરી આવે હોઠે
લેહ લગન લેલૂર;
જેમ સરી આવે રણઝણતાં
ઘૂઘરી બાર નૂપુર રે: -
મારે ભીતર ભરિયા સૂર.
આજ અચાનક ગાઈ હું ઊઠું
પ્રેમરસે ચકચૂર;
સ્વયં સુવાસિત જલતું જાણે
હૈયે કૃષ્ણ - કપૂર રે : -
મારે ભીતર ભરિયા સૂર.
0 comments
Leave comment