101 - કદંબ કેરી ડાળી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
કદંબ કેરી ડાળી રે
મેં ભીતર ભોમે ભાળી.
મૂળાધારમાં મૂળ છે એનું,
સહસ્ત્રારમાં ફૂલ;
ઇડા, પિંગલા, સુષૂમણા કંઇ
વાહે રસ અણમૂલ:
કે એની શોભા રમ્ય રૂપાળી રે-
મેં ભીતર ભોમે ભાળી.
જીવન જમુનાજીના કાંઠે
ભાવનું વૃંદાવન;
એમાં વૃક્ષ અનુપમ ઊગ્યું,
રખવાળે છે મન :
કે એની સુરતા સૌમ્ય નિરાળી રે -
મેં ભીતર ભોમે ભાળી.
કદબ કેરી ડાળે બેઠો
વાય છે મુરલી ગાન;
મુરલીધર મનમોહન પેલો
કુંવર કનૈયો કાન :
કે મારા રૂંવ રૂંવ દે છે તાળી રે -
મેં ભીતર ભોમે ભાળી.
0 comments
Leave comment