102 - નૂરની છડી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
અનહદ એવી રે ગુફાયું ગેબી જુઓ ઊઘડી :
નુરત નગારે રે સુરતા કેરી દાંડી પડી.
પ્રથમ તો અંધારાં જોયા, આંખની એ ઓછપ;
પછી નિહાળ્યું ભીતરમાં તો તેજ ભરેલાં તપ :
ન્યાળીને નીરખ્યું રે મૂરતિ મોંઘી નજરે ચડી.
એ મૂરતિનાં નૂર થકી મારાં પાછાં બિડાયાં નેણ;
શું ફરી અંતર આવરી લેશે મોહમાયાની રેણ ?
પલક મીંચાયાં રે પડી કંઈ એવી તેજલ તડી.
આંખ ખોલી ને બાહિર જોયું તો ઝલમલ વરસે નૂર;
અંઘોળાયું મારું આયખું, અણકથ આનંદના વહે સૂર:
અવિરત ધારે રે અંગડા ઝીલે ઓજસ ઝડી.
ઓ રે ઓજસમાં સ્નાન કીધે મારા સાહ્યબા શું મળે નેણ;
માણેક મોતી શાં નૂર છે એનાં, સુરભિત છે એનાં વેણ:
સત હું સરોદે રે પોકારું એ નૂરની છડી.
0 comments
Leave comment