103 - અમથા અમથા / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડયા.

એક ખૂણમાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઈ દિ'
બજવું નહિ બેસૂર:
રહ્યા મૂક થઈ, અબોલ મનડે
છાનાછાના રડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડયા.

જનમજનમ કંઈ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિન્તુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ :
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઈને નડ્યા.-
કે અમને રણઝણ મીણા ચડયા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઈના હાથ;
અડ્યા ન કેવળ, થયાં અમારા
તાર તારના નાથ :
સૂર સામટા રહ્યા સંચરી,
અંગઅંગથી દડ્યા.-
કે અમને રણઝણ મીણા ચડયા.

હવે લાખ મથીએ, નવ તોયે
રહે મૂક અમ હૈયું;
સૂરાવલી લઈ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું :
જુગજગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડયા.


0 comments


Leave comment